Saturday 22 December 2018

રાજેશ ધામેલિયાએ “ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ” કૃતિ રજૂ કરી


જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જિ. શિ. અને તા.ભ. આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ-2018 યોજાયો. તેમાં 52 શિક્ષકોએ ઇનોવેશન રજૂ કર્યા. કાર્યક્રમના પ્રથમ દિવસ કૃતિ રજૂ કરનાર તમામ ઇનોવેટિવ શિક્ષકોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સંમાન કરવામાં આવ્યું.
     ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાજેશ  ધામેલિયાએ “ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ” કૃતિ રજૂ કરી હતી. ઇનોવેશનની મુલાકાતે આવનાર શિક્ષણપ્રેમીઓને આ વિષયમાં ખૂબ રસ પડ્યો હતો. અનેક મુલાકાતીઓએ સુંદર પ્રતિભાવો આપ્યા હતા અને નવું જાણવા ઉત્સુકતા દર્શાવી હતી.    
       એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કંઇક નવું કરવા ઇચ્છતા શિક્ષકો માટે ખૂબ સારું પ્લેટફોર્મ  છે. જી.સી.ઈ. આર.ટી.નો આ પ્રયાસ અભિનંદનીય છે.











Monday 17 December 2018

લીઓ ક્લાસીસમાં “પરીક્ષાલક્ષી માર્ગદર્શન” અને “ગુજલિશ” સેમિનાર યોજાયો


        “પરીક્ષાની પૂર્વતૈયારી પૂરી પ્રામાણિકતાથી અને આયોજનપૂર્વક કરવામાં આવે તો પરીક્ષા પરેશાની નહીં, પરંતુ પર્વ બની રહે ”- રાજેશ ધામેલિયા                                                                
   ઉધના વિસ્તારમાં શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ શીખવતી સંસ્થા એટલે લીઓ ક્લાસીસ. સંચાલક શ્રી જયસુખભાઈ કથિરિયાના માર્ગદર્શન હેઠળ આજે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે “પરીક્ષાલક્ષી માર્ગદર્શન” અને “ગુજલિશ”  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
       આ સેમિનારમાં શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ પરીક્ષા એ આફત નહીં, પરંતુ અવસર છે. જો પરીક્ષાની પૂર્વતૈયારી પૂરી પ્રામાણિકતાથી અને આયોજનપૂર્વક કરવામાં આવે તો પરીક્ષા પરેશાની નહીં, પરંતુ પર્વ સમાન આનંદદાયી પ્રસંગ બની જાય. હવે પરીક્ષાની તૈયારી માટે તમારી પાસે 80 દિવસ છે. પરિણામની ચિંતા કર્યા વિના  નિયમિત આનંદપૂર્વક મહેનત કરશો તો ચોક્ક્સ ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી તમારા માતાપિતાનું નામ રોશન કરી શકશો અને આર્થિક રીતે પણ મોટો સહયોગ આપી શકશો.”  
     “ ગુજલિશ” અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “ ગુજરાતી અને અંગ્રેજીનો સાથે અભ્યાસ કરવાથી બન્ને વિષયમાં ખૂબ રસ પડે છે અને શીખવામાં પણ સરળતા રહે છે. ભાષાના નિયમો શીખવામાં ક્યાંય ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, તમામ નિયમો વિવિધ ઉદાહરણો ગમ્મત સાથે શીખી શકાય છે. માત્ર બે કલાકમાં હજારો શબ્દોની સાચી જોડણી શીખી શકીએ છીએ. મૂળ શબ્દને સમજીને તેના પરથી ક્યા ક્યા શબ્દ બને છે તે શીખવામાં આવે તો  સ્પેલિંગ પાકા કરવામાં  પણ સરળતા રહે.  શિક્ષણના મૂળમાં “વિચાર” છે. વિચાર કરવાની ટેવ પડે તો શિક્ષણ આનંદમય બની રહે.  




મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


“ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાગમૂર્તિ  હતા. તેમની વિરાટ પ્રતિમા સાથે તેમની વિરાટ પ્રતિભાથી અને અજોડ કાર્યોથી પણ પરિચિત થવું જોઈએ” – રાજેશ ધામેલિયા
ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
     ભારતના ભાગ્ય વિધાતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પ્રશ્નોત્તરી કરી હતી અને  માહિતી આપતા જણાવ્યું હતું કે, “ સરદાર સાહેબે  ધીકતી વકીલાત છોડીને દેશ સેવામાં ઝંપલાવ્યું હતું. રાષ્ટ્રની આઝાદી માટે અનેક કષ્ટો વેઠ્યા હતા. સંન્યાસીઓ કરતાં પણ તેમનો ત્યાગ મહાન હતો. સાચા અર્થમાં તેઓ ત્યાગ મૂર્તિ હતા. આજે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા  સરદાર વલ્લભભાઈ પટેલની છે, લોકો તેમના દર્શન કરે છે. તેમની વિરાટ પ્રતિમા સાથે તેમના અજોડ કાર્યોથી અને  વિરાટ પ્રતિભાથી પણ પરિચિત થવાની જરૂર છે. અનેક સત્યાગ્રહોના સફળ નેતૃત્વ પછી પણ તેઓ નાનામાં નાના કાર્યકર્તાઓને ખૂબ પ્રેમ,સ્નેહ અને સંમાનથી બોલાવતા. આપણે જ્ઞાતિવાદ,પ્રાંતવાદ,ભાષાવાદ વગેરે વાદ અને ભેદભાવ ભૂલીને રાષ્ટ્રની એકતા વધારીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ.
     સરદાર વલ્લભભાઈ પટેલને શબ્દપુષ્પથી  શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.







Friday 14 December 2018

સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર

સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
       દીકરીઓ : ઈશિતા અને વિશાખા અભ્યાસ સાથે જિમ્નાસ્ટિક રમી રહી છે. સંતો અને વડીલોના આશીર્વાદ,   મિત્રો તથા સ્નેહીઓની શુભેચ્છાઓ અને નિયમિત પ્રેક્ટિસને પરિણામે બંને દીકરીઓ સફળતા મેળવી રહી છે. પ્રેરણા અને પ્રોત્સાહન બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિવિધ અખબારના તંત્રીશ્રીઓ, પત્રકારો સૌનો ખૂબ ખૂબ આભાર. કોચ શ્રી રવિભાઈ તાંદલેકર, શ્રી પંકજભાઈ કાપડિયા તથા સૌ માર્ગદર્શકોને વંદન. પી.પી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અને કૌશલ વિદ્યાભવન તરફથી પણ સતત પ્રોત્સાહન મળતું રહે છે. બંને શાળા પરિવારનો  ખૂબ ખૂબ આભાર.
આપનો,
રાજેશ ધામેલિયા





Tuesday 11 December 2018

આદર્શ નિવાસી શાળા- ઉમરપાડામાં “પરીક્ષા આવી,ખુશહાલી લાવી” સેમિનાર યોજાયો


આદર્શ નિવાસી શાળા- ઉમરપાડામાં “પરીક્ષા આવી,ખુશહાલી લાવી” સેમિનાર યોજાયો
“પરીક્ષાથી ડરવાની નહીં, પરંતુ આયોજનપૂર્વક અને ઉત્સાહથી મહેનત કરવાની જરૂર છે.”- રાજેશ ધામેલિયા
      સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં આજે “પરીક્ષા આવી,ખુશહાલી લાવી” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
       શાળાના ઉત્સાહી અને કર્મઠ ઇ.આચાર્ય શ્રી વિપુલભાઈએ  આજના કાર્યક્રમના ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ પંડ્યાએ શ્લોકગાન કર્યું હતું.
         આ પ્રસંગે શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ કોઈ પણ રમતના ખેલાડીની વિશ્વ કપ ટુર્નામેન્ટમાં પસંદગી થાય તો તે ખુશ થાય છે, તેમ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાનો ખુશી ખુશીથી સ્વીકાર કરવો જોઈએ. દસ-બાર વર્ષથી અભ્યાસ કરી રહ્યા છીએ તેની રાજ્ય કક્ષાની હરીફાઈ એટલે બોર્ડની પરીક્ષા. બોર્ડની પરીક્ષા આફત નહીં, એક અવસર છે. તેને સારી રીતે પાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકીએ છીએ. આથી પરીક્ષાથી ડરવાની નહીં, પરંતુ આયોજનપૂર્વક અને ઉત્સાહથી મહેનત કરવાની જરૂર છે. પરિણામ અંગે ખોટી ચિંતા કરવાથી વાંચેલું ભુલાઈ જાય છે. ચિંતામુક્ત થઈને આનંદથી વાંચેલું વધારે યાદ રહે છે. જે વાંચ્યું હોય તે મિત્રો વચ્ચે રજૂ કરવાથી તમામ મિત્રોને સહેલાઈથી યાદ રહી જાય છે.”  
       વિદ્યાર્થીઓએ કાર્યક્રમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “ આજે અમને ઘણું નવું શીખવા મળ્યું. પ્રેરક વાર્તાઓ સાંભળવાની ખૂબ મજા આવી. અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળીને પરીક્ષાની ઉત્સાહભેર તૈયારી કરીશું અને શાળાનું ગૌરવ વધારીશું.
      આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભાઈઓ- બહેનો સામેલ થયા હતા. કાર્યક્રમમાં સુંદર માર્ગદર્શન આપવા બદલ શાળાના ઇ.આચાર્ય શ્રી વિપુલભાઈએ શ્રી રાજેશભાઈનો શાળા પરિવારવતી આભાર વ્યક્ત કર્યો હતો.