Thursday 20 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો



       “શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે.”- રાજેશ ધામેલિયા

        વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી જ સાચી જોડણીનું મહત્ત્વ દર્શાવવામાં આવે અને તેની સરળ સમજૂતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. આ વાતને કેંદ્રમાં રાખીને ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272)માં આજે “ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
      સેમિનારમાં માર્ગદર્શન આપતાં શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ સાચી જોડણી ગોખવાની નહીં, પરંતુ સમજવાની જરૂર છે. શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે. ગુજરાતીની જોડણીના નિયમો જેવા જ કેટલાક નિયમો અંગ્રેજીમાં પણ છે. ગુજરાતી ભાષા સારી રીતે શીખશો તો અંગ્રેજી શીખવામાં ખૂબ સરળતા રહેશે.“ 
     “ ઉપયોગી-ઉપયોગિતા, વિદ્યાર્થી- વિદ્યાર્થિની” જેવા શબ્દો લખાવીને સમાન જણાતા શબ્દોની જોડણીમાં તફાવત કેમ છે? તેની ઉચ્ચારણ સાથે સરળ સમજૂતી આપી હતી. અંગ્રેજીમાં પણ “baby-babies, city-cities” થાય છે. ઉચ્ચારણને કારણે અંત્ય દીર્ઘ “ઈ” નો હ્રસ્વ “ઇ” થાય છે. તેમ સમજાવ્યું.  “ નાગરિક,ચંદ્રિકા,આયોજિત, સંવાદિતા” જેવા શબ્દો લખાવીને “ઇક-ઇકા-ઇત-ઇતા”પ્રત્યયમાં “ઇ” હ્રસ્વ હોય છે; તેને સરળ સમજ આપી. “ કીર્તન,તીર્થ,મૂર્તિ,સૂર્ય,” વગેરે શબ્દો લખાવીને રેફ પૂર્વેનાં “ઈ-ઊ” દીર્ઘ હોય છે તે અંગે ચર્ચા કરી. વારંવાર વપરાતા શબ્દોની જોડણી અંગે વિદ્યાર્થીઓને  થોડી જાણકારી આપવામાં અવે તો તેઓ ખૂબ સહેલાઈથી સેંકડો શબ્દોની સાચી જોડણી શીખી શકે.શાળાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ પાંચાણીએ તેમની વિદાય પ્રસંગે શાળાના ધો.5 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટરૂપે “ સાચી જોડણી લાગે વહાલી” પુસ્તિકા આપી છે.તેનો વિદ્યાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે તેમજ માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને માતૃભાષાનું ગૌરવ વધારી શકે. આવા શુભ આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
     શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ આ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં ધોરણ 5 , 6, 7ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.










No comments:

Post a Comment